નાસ્તિ બુદ્ધિરયુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના ।
ન ચાભાવયતઃ શાન્તિરશાન્તસ્ય કુતઃ સુખમ્ ॥ ૬૬॥
ન—નહીં; અસ્તિ—છે; બુદ્ધિ:—બુદ્ધિ; અયુક્તસ્ય—જોડાયેલા નહિ; ન—નહીં; ચ—અને; અયુક્તસ્ય—ન જોડાયેલા; ભાવના—ચિંતન; ન—નહીં; ચ—અને; અભાવયત:—જે સ્થિર નથી તેને; શાંતિ:—શાંતિ; અશાન્તસ્ય—અશાંત મનુષ્યને; કુત:—ક્યાંથી; સુખમ્—સુખ.
Translation
BG 2.66: પરંતુ બિનઅનુશાસિત મનુષ્ય, જેનું મન તથા ઇન્દ્રિયો પર નિયંત્રણ નથી, તે ભગવાન પ્રત્યે ન તો દૃઢ બુદ્ધિ ધરાવે છે કે ન તો સ્થિર ચિંતન ધરાવે છે. જે મનુષ્યનું મન ભગવાનમાં જોડાયું નથી તેને ક્યાંય શાંતિ નથી; અને જેને શાંતિનો અભાવ છે, તે કેવી રીતે સુખી થઇ શકે?
Commentary
આ શ્લોક અગાઉના શ્લોકના નિષ્કર્ષને વિપરીત અને નિષેધક વર્ણન દ્વારા દૃઢ કરે છે. અગાઉ શ્રી કૃષ્ણ કહે છે; “ભગવાનને જાણો; શાંતિ પામો.” આ શ્લોકમાં તેઓ કહે છે, “ભગવાન નહીં; (તો) શાંતિ નહીં.” જે મનુષ્ય મન તથા ઇન્દ્રિયોને અનુશાસિત કરવાનું શીખ્યો નથી તે ન તો ભગવાનનું ધ્યાન ધરી શકે છે કે ન તો દિવ્ય આનંદનો અનુભવ કરી શકે છે. ઉત્કૃષ્ટ સ્વાદ વિના, નિકૃષ્ટ સ્વાદનો ત્યાગ કરવો અશક્ય બની રહે છે અને જેમ મધમાખી માટે પુષ્પના રસનો ત્યાગ કરવો અશક્ય હોય છે, તેમ આવો મનુષ્ય માયિક સુખની શોધમાં ભટકતો રહે છે:
રાત્રિર્ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતં
ભાસ્વાનુદ્વેષ્યતિ હસિષ્યતિ પઙ્કજશ્રીઃ
એવં વિચિન્તયતિ કોષ ગતે દ્વિરેફે
હા હન્ત હન્ત નલિનીં ગજ ઉજ્જહાર (સૂક્તિ સુધાકર)
સંસ્કૃત સાહિત્યમાં મધમાખીની વાર્તા સંબંધિત આ એક પ્રચલિત શ્લોક છે. એક માખી કમળના પુષ્પ પર બેસીને તેનું રસપાન કરી રહી હતી. જેમ જેમ સૂર્યાસ્ત થતો ગયો તેમ તેમ પુષ્પની પાંદડીઓ પણ બંધ થવા લાગી. પરંતુ માખી તેની ઇન્દ્રિયના વિષયનો ભોગ કરવામાં એટલી આસક્ત હતી કે ત્યાંથી ઊડવા તૈયાર ન હતી. તેણે વિચાર્યું કે, “હજી પુષ્પને બંધ થવામાં સમય લાગશે. જો મારાથી થઈ શકે તો મને અધિક રસ ચૂસી લેવા દે.” આ જ પ્રમાણે, આપણે પણ મૃત્યુના સંકેત તરીકે વૃદ્ધાવસ્થાને આવતા જોઈએ છીએ, પરંતુ આ માખીની જેમ સાંસારિક સુખોના અનહદ ભોગવિલાસમાં મસ્ત રહીએ છીએ.
દરમ્યાન અંધારું થઈ ગયું, કમળનું પુષ્પ બંધ થઈ ગયું અને માખી તેમાં ફસાઈ ગઈ. તેણે વિચાર્યું, “કોઈ વાંધો નહિ. આજની રાત્રિ માટે મને મારા પ્રિય પુષ્પની અંદર જ રહેવા દે. આવતીકાલે પ્રાત: સમયે જયારે તેની પાંદડીઓ ખુલી જશે ત્યારે હું ઊડી જઈશ. “કાષ્ઠ ભેદો નિપુણોપિ સન્ગૃહી કુણ્ઠિતો ભવતિ પદ્મ વિભેદે” મધમાખીમાં લાકડાને આરપાર કોતરવાની શક્તિ હોય છે. પરંતુ ઇન્દ્રિય વિષયના ભોગ પ્રત્યેની આસક્તિ જુઓ કે જે માખી લાકડું કોતરી શકે છે તે કમળની કોમળ પાંદડીઓમાં ફસાઈ ગઈ છે.” એ દરમ્યાન એક હાથી આવ્યો અને કમળને તેની ડાળખીથી તોડીને ગળી ગયો. માખી પણ કમળની સાથે સાથે હાથીના ઉદરમાં ગઈ. માખી વિચારવા લાગી, “મારું પ્રિય કમળ ક્યાંક જઈ રહ્યું છે અને હું પણ તેની સાથે સહર્ષ જઈ રહી છું.” તત્પશ્ચાત્ તરત જ તે મૃત્યુ પામી.
આ જ રીતે આપણે મનુષ્યો પણ ઇન્દ્રિયોને સંતોષવામાં મગ્ન રહીએ છીએ અને સંતોના ભગવદ્-ભક્તિમાં જોડાવાના ઉપદેશ તરફ ધ્યાન આપતા નથી. અંતે, કાળ મૃત્યના સ્વરૂપે આપણને ગ્રસી લે છે. અહીં, શ્રી કૃષ્ણ કહે છે કે, જેઓ ઈન્દ્રિયોનું નિયમન કરવાની અને ભક્તિમાં પરોવવાની અવગણના કરે છે તેઓ માયાના ત્રિ-સ્તરીય દુ:ખો વચ્ચે અથડાયા કરે છે. માયિક કામનાઓ ચર્મરોગ- ખરજ જેવી છે. આપણે તેમાં જેટલાં લિપ્ત રહીએ છીએ, તેટલું તે વકરતું જાય છે. સાંસારિક ભોગવિલાસની લિપ્તાવસ્થામાં આપણે વાસ્તવિક રીતે કેમ સુખી થઇ શકીએ?